એક ગુરુકુળમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. કોઇ અમીર હતા, કોઇ સામાન્ય હતા તો કોઇ ગરીબ પણ હતા. આજે અભ્યાસનો અંતિમ દિવસ હતો. બધા વિદ્યાર્થીઓ પોતાના ઘરે જવા માટે ઉત્સુક હતા. ગુરુજીએ બધા જ વિદ્યાર્થીઓને એક સ્થળે એકત્રીત કર્યા અને કહ્યુ , " મારા વ્હાલા શિષ્યો , આ ગુરુકુળમાં આજે તમારો છેલ્લો દિવસ છે. તમારા અભ્યાસ દરમિયાન મેં તમારી ઘણી પરિક્ષાઓ લીધી છે આજે એક અંતિમ પરિક્ષા લેવી છે. તમારે બધાએ પગમાં કંઇ પહેર્યા વગર જ એક અંધારી સુરંગમાંથી પસાર થવાનું છે અને બીજા છેડેથી બહાર નિકળવાનું છે. હું સુરંગના બીજા છેડે તમારી રાહ જોઇશ."
ગુરુજી બધાને સુરંગના દરવાજા પાસે લઇ ગયા અને સુરંગમાં પ્રવેશ કરવાનો બધાને આદેશ કર્યો. હુકમ થતા જ બધા સુરંગમાં દાખલ થયા. અંદર ઘોર અંધારુ હતું. એકબીજાનું મોઢુ પણ જોઇ શકાતું નહોતું. બધા ટેકે ટેકે આગળ વધી રહ્યા હતા. થોડા આગળ ગયા ત્યાં તો બધાના પગમાં નીચે પડેલા ધારદાર પથ્થર વાગવા લાગ્યા. ખુબ પીડા થતી હતી અને પગમાં લોહી પણ નીકળતું હતું.
બધા જેમતેમ કરીને સુરંગના બીજા દરવાજેથી લંગડાતા લંગડાતા બહાર નીકળ્યા.
ગુરુજી બધાને આ સુરંગના અનુભવ વિષે પુછી રહ્યા હતા. બધા પોતપોતાના પીડાદાયક અનુભવની વાત કરી રહ્યા હતા. આ વાતચીત ચાલુ હતી ત્યાં એક શિષ્ય સુરંગના દરવાજાની બહાર આવ્યો. બધા તેના પર હસવા લાગ્યા. ગુરુજીએ હસવાનું કારણ પુછ્યુ તો એક શિષ્યએ જવાબ આપતા કહ્યુ , " ગુરુજી આ મોડો આવેલો વિદ્યાર્થી સૌથી આગળ હતો પણ એની મુર્ખામીને લીધે એ સૌથી પાછળ રહી ગયો. એ સુરંગમાં પડેલા પથ્થરો વીણી રહ્યો રહ્યો હતો.
ગુરુજીએ પેલા મોડા આવેલા શિષ્યને આ વિષે પુછ્યુ તો એણે કહ્યુ , " હા ગુરુજી એમની વાત સાચી છે. હું સૌથી આગળ હતો. મને રસ્તામાં પડેલો ધારદાર પથ્થર વાગ્યો અને ખુબ પીડા થવા લાગી એટલે મેં વિચાર્યુ કે આ પથ્થરો મારી પાછળ આવતા બીજા મિત્રોને પણ વાગશે અને એને પણ પીડા થશે. મારા મિત્રોને પીડા ન થાય તે માટે મેં રસ્તામાં પડેલા એ પથ્થરો ઉપાડી લીધા.
ગુરુજીએ પુછ્યુ , " એ પથ્થરો કયાં છે ? જરા બતાવ "
શિષ્યએ ખીસ્સામાં હાથ નાંખીને પથ્થરો બહાર કાઢ્યા. પથ્થરો જોતા જ બધા આશ્વર્યમાં પડી ગયા કારણકે એ પથ્થર નહી પરંતું હીરાઓ હતા. ગુરુએ પોતાના શિષ્યોને કહ્યુ , " આ જ તમારી પરિક્ષા હતી. એ હીરાઓ મેં જ ત્યાં મુકાવેલા હતા. બીજાને મદદ કરવાની ભાવનાવાળા મારા શિષ્યો માટે એ મારી ભેટ હતી."
મિત્રો , આપણે પણ જીવન રુપી અંધારી અને અજાણી સુરંગમાંથી પસાર થઇ રહ્યા છીએ. આપણને પડતી પીડા બીજાને ન થાય એવા શુધ્ધભાવથી કરેલા કાર્યો બીજા લોકોને ભલે પથ્થર ભેગા કરવા જેવા મૂર્ખામી ભર્યા લાગે પરંતું ખરેખર એ હીરા ભેગા કરવા જેવા કાર્યો છે.